એક સ્ત્રી ભારત અને ચીન વચ્ચે પણ હતી.

જર, જમીન ને જોરું એ ત્રણેય કજિયાના છોરું. દુનિયામાં મોટાભાગના યુદ્ધો આ ત્રણ વસ્તુઓ માટે થયા છે. તેના દાખલા ઇતિહાસમાં જોવા પણ મળી રહ્યા છે. અખંડ ભારતની જો કોઈએ સૌથી ખોટી ઘોર ખોદી હોય તો એ કોઈ સ્ત્રીએ જ છે. 
           જેમ પાકિસ્તાનના નિર્માણમાં ઝીણા અને નહેરુ વચ્ચે એડવિના હતી. તેવી જ એક સ્ત્રી ભારત અને ચીન વચ્ચે પણ હતી. આ ચીની યુવતીએ ભારત તરફથી વિષ્ટિ કરવા આવેલા ભારતીય અધિકારી બી.એન. કૌલને પોતાની મોહજાળમાં ફસાવીને પોતાનું ધાર્યું કરાવી, આખેઆખો તિબેટ પ્રદેશ ચાઇનાના ખોળામાં ધરવી દીધો. જેમ પેલું ફિલ્મી ગીત યાદ છે ને...!!!  એક ચુમ્મા તું મુજકો ઉધાર દઈ દે, ઔર બદલે મેં...  ઔર બદલે મેં યુપી બિહાર લઈ લે...  એક સ્ત્રી દ્વારા ધાર્યું કરાવી લેવાને કારણે જ તિબેટ આપણે ખોઈ બેઠા. ચાઇના સાથે આજે આપણે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જેના માઠા પરિણામ પણ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. 
           અત્યારે એ પણ યાદ રાખવું પડે કે ભલે આપણે બ્રિટીશરાજને પેટ ભરીને ગાળો આપીએ. પરંતુ બ્રિટિશરો ખૂબ શાણા હતા. તેઓને ખબર હતી કે ચાઇનાનો ડોળો તિબેટ ઉપર છે. એટલે તેઓ જ્યાં સુધી ભારતમાં રહ્યા, ત્યાં સુધી તેઓએ પોતાનું લશ્કરી થાણું  તિબેટમાં જાળવી રાખ્યું. જેવું ભારત આઝાદ થયું તે વખતે આપણા શાંતિદૂત ગણાતા નહેરૂ સાહેબે લશ્કરમાં ખોટો ખર્ચો તિબેટ માટે કરવાનો ના હોય, એમ કરીને લશ્કરી ટુકડીઓ ઓછી કરવા માંડી. બ્રિટિશરાજ સમયથી જ ચાઇના સાથે તિબેટની બાબતમાં કકળાટ તો ચાલી જ રહ્યો હતો. પરંતુ બ્રિટિશરોએ ક્યારેય ચૂંચી આંખોવાળા ચીનાઓને ફાવવા દીધા ન હતા. પરંતુ ભારતે જેવી પોતાની લશ્કરી કુમક ઓછી કરી અને એનો લાભ લઇને ચાઇનાએ તિબેટ ઉપર કબજો જમાવી લીધો. બાકી તિબેટ જાણે ભારતનો પોતાનો ભાગ હોય તેમ તે વખતે લોકો આવતા જતા. આઝાદી પહેલા ક્યારેય તિબેટમાં આપણે કૈલાસ કે માન સરોવરના દર્શન કરવા જવા માટે કોઈને પાસપોર્ટ વિઝા કે કશાની જરૂર પડતી નહીં. પોતાના જ પ્રદેશ હોય તેમ સમજીને આવન-જાવન થતું.
            હવે હું મૂળ વાત કરૂં આપણા રોમીયોની.... જે તે સમયે વિદેશ મંત્રાલયના સચિવ એન.ટી. પિલ્લાઇએ પત્ર લખીને નેહરુને જણાવ્યું હતું કે, ચીન સાથે કડકાઇથી સોદાબાજીમાં કામ લેવાની જેની જવાબદારી છે એવા બી.એન. કૌલ, ચીની યુવતીના પ્રેમમાં પડ્યા છે. પોતે પરણેલા હોવા છતાં ચીની યુવતી સાથે  લગ્ન કરવા માંગે છે. આ બાબત નહેરૂના ધ્યાનમાં આવી હોવા છતાં આંખ આડા કાન કર્યા.. છેક છેલ્લી ઘડીએ એ ભાઈ સાહેબને પાછા બોલાવ્યા પણ ત્યાં સુધીમાં મોરલો કળા કરી ચુક્યો હતો. વળી નેહરુએ તિબેટને ચીનના ખોળામાં સોંપી દેવા માટે મોટા ઉપાડે કરેલો પંચશીલ કરાર પણ તાબૂતમાં મારેલી છેલ્લી ખીલી સમાન સાબિત થયો. બે જ વર્ષના ટૂંકા સમયમાં ચીન તિબેટને ગળી ગયું. જે તે સમયે નેહરુને પંચશીલ કરાર બાબતે આપણા રાજકીય નેતાઓએ અને કૂટનીતિજ્ઞોએ વાળ્યા હતા. આચાર્ય કૃપલાણીએ પણ નેહરુના આ નિર્ણયની ભારે ટીકા કરી હતી. પરંતુ નેહરુ અને આ અધિકારી કૌલ વચ્ચે કુલડીમાં શું ગોળ ભાંગ્યો કે આ પંચશિલ કરારમાં આપણે ચીન સાથે પાકી સોદાબાજી ન કરી શક્યા. તિબેટ ઉપર ચીનનું આધિપત્ય સ્વિકાર્ય કર્યા ને કારણે ચીન ફાવી ગયું.  બાદમાં ધીમે ધીમે આખો તિબેટનો ભાગ ચાઇનાને ખોળે ધરવી દેવામાં આવ્યો. આ ભારતીય રોમિયોને કારણે ... હનીટ્રેપમાં ફસાયેલા અધિકારીએ એવો તો ગોટો વાળી દીધો કે જેની કળ આજ સુધી આપણને વળી નથી.    
          અત્યારે લોકો માત્ર ભારતનું ચીન સાથેનું 62નું યુદ્ધ યાદ કરે છે. પરંતુ એ પહેલાની જો ગતિવિધિઓ ધ્યાનમાં લેવામાં આવે અને આઝાદી પહેલા બ્રિટિશરોના રાજકીય પગલાના પગલે પણ જો હિન્દુસ્તાન ચાલ્યું હોત તો હાલમાં જે આપણી સરહદનો વિવાદ, ભારત સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યો છે, તે ના બનતે... 
               હશે ભ'ઈ જેવા આપણા સૌના નસીબ... આમેય ભારત વર્ષોથી... સદીઓથી લુટાતું જ આવ્યું છે... અને શું હજુય લુટાતું જ રહેશે...???!!! 
                શું કહેવું છે તમારૂં???...           
             સોહંગ બ્રહ્મભટ્ટ કરમસદ 
         
             આજનું જ્ઞાન: મારા લેખનમાં હરહંમેશ એવો પ્રયાસ રહે છે કે લખાણ ભાવવાહી બને, રસપ્રદ બને. તમને એવું લાગવું જોઇએ કે, આ લેખ કોઈક વ્યક્તિ આપણને બોલીને જણાવી રહી હોય. ભારેખમ શબ્દોને બદલે સામાન્ય બોલચાલના શબ્દો અને લોકજીભે રમતી વાતો અને કહેવતો દ્વારા સચોટ રજૂઆતનો પ્રયત્ન કર્યો છે. આ લેખમાં જે તે તારીખોનાં ઝૂમખાં, તથ્યો સંદર્ભો ટાંકવાનું ટાળ્યું છે. બહું જ લાંબુ થઇ જાત, વળી એ બધું જાણીને આપણે કયાં કોઇ  પરિક્ષા આપવા જવું છે...!!! ... ???
         સોહંગ બ્રહ્મભટ્ટ કરમસદ. 

Comments