"વિનાશકાળે વિપરીત બુદ્ધિ" જે કોંગ્રેસ

"વિનાશકાળે વિપરીત બુદ્ધિ" જે કોંગ્રેસ પાર્ટીએ અંગ્રેજોની ગુલામીમાંથી બહાર કાઢવા માટે દેશને એકજૂટ કર્યો. પોતપોતાના ક્ષેત્રમાં પાવરધા માણસોને પણ તેમના કામ ધંધા બંધ કરાવીને આંદોલનના માર્ગે ચડાવી દીધા. જેમ કે સરદાર પટેલને તેમની વકીલાતની પ્રેક્ટિસ છોડાવીને, ખાદી પહેરાવીને, દેશ માટે જોતરી દીધા. સરદાર પટેલ હોંશે હોંશે સ્વેચ્છાએ જોડાઈ પણ ગયા. અત્યારે આ બધા સ્વતંત્ર સેનાનીઓની વાત નથી કરવી, પરંતુ જે કોંગ્રેસ પોતાના ઊંચા આદર્શો માટે વખણાતી હતી. તેનું અત્યારનું હાલનું સ્તર જોઈને હસવું કે રડવું કે દયા ખાવી તે નક્કી કરી શકાતું નથી. આમ તો ગુજરાતમાં 1995 પછી કોંગ્રેસના સુપડાં સાફ થતાં જ આવ્યા છે. એટલે ગુજરાતના કોંગ્રેસીઓનો તો રાજકીય વનવાસનો ગાળો ૨૬ વર્ષનો થઇ ગયો છે. હાલની નવયુવાન પેઢીને જુના કોંગ્રેસી નેતાઓ વિશે તો ઝાઝી ખબર ના પડે. સાંભળેલી કે વાંચેલી વાતો જાણે તો ખરું. એમના માટે એક આછેરી ઝલક આપી દઉં કે કરમસદનો હોવાને કારણે જેમને હું ખૂબ જ નજીકથી ઓળખતો પણ હતો, એવા બાબુભાઈ ગીરધરભાઈ પટેલ. જેમના રાજમાં આણંદ નગરપાલિકાનું પુરાંતવાળુ બજેટ રહેતું. અમદાવાદ મહાનગરપાલિકાને પણ આર્થિક મદદ પહોંચાડતાં, તેવી સદ્ધરતા આણંદ નગરપાલિકાની બનાવી હતી. વળી તેઓએ પાલિકાની આવક વધારવા માટે ઠેરઠેર શોપીંગ સેન્ટરનું નિર્માણ કર્યું, અને એવા ઘણા આવકના સ્રોત વધારીને પ્રજાલક્ષી કામો કર્યા. તેઓ ગુજરાત નગરપાલિકા પરિષદના પ્રમુખ તરીકે પણ છેક છેલ્લે સુધી રહ્યા. જોકે એ વાત જુદી છે કે તે પછીના શાસકોએ પાલિકાની આબરૂને ક્રમશઃ ધોતા રહ્યા વિકાસના નામે. કોનો વિકાસ થતો રહ્યો એ તો લોકોને પૂછો તો ખબર પડે. મારો મુદ્દો એ છે કે આવા મૂળભૂત કોંગ્રેસીઓ ક્રમશઃ ઓછા થતા ગયા અને જે વગદાર હતા, પાંચમાં પૂછાતા હતા, તેઓએ કાં તો પાર્ટી છોડી દીધી, કાં તો રાજકીય સંન્યાસ લઇ લીધો. ભાજપે પણ કોંગ્રેસના હીરા જેવા નેતાઓને પોતાની તરફ વાળવા માટે સામ-દામ-દંડ-ભેદ વાપરીને સફળતા હાંસલ કરી લીધી છે. હવે જે ફાલ બચ્યો છે, તેમના માટે બહું ઝાઝું કહી શકાય તેવું નથી. આણંદ પાલિકાએ ઘણા લોહિયાળ જંગ પણ જોયા છે. સત્તા માટે સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાંકી કરવી કે પછી ઘીની તપેલીને ગરમ કરવી. બધા જ દાવ-પેચ રાજકીય અખાડામાં ખેલાઈ ચૂક્યા છે. જુના કોંગ્રેસી નેતાઓ રાજ કરતા, વળી નજીકના માણસોને સાચવી જાણતા, કેમ કે ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે. એમ સેવાના નામે મેવા તો કોઈપણ રાજકીય પાર્ટી હોય, કોઈ ભેખધારી નથી, એક વ્યક્તિને બાદ કરતા. કારણ કે દરેકના ઘેર બૈરી છોકરાં હોય, એમને કંઈ ધર્મશાળામાં ના મોકલી  દેવાય. મુદ્દો એ કે રાજ કરતાં કરતાં ક્યાંક દેશનો દુશ્મન ફાવી ના જાય એનું તો ચોક્કસ ધ્યાન રાખવામાં આવતું. જ્યારે આજકાલના જે સમાચાર જોવા મળે છે કે જેમાં દેશના દુશ્મનોને મોજ પડે એવું વર્તન આજ-કાલના કોંગ્રેસીઓ દ્વારા કરવામાં આવે છે.  તે જાણીને જીવ બળી જાય. મોદી જશ ખાટી ન જવો જોઈએ, એવી કિન્નાખોરી રાખીને, જે તે સમયે સર્જીકલ સ્ટ્રાઈક ઉપર કે એર સ્ટ્રાઈક ઉપર પ્રશ્નો ઊઠે ત્યાં સુધી તો ચાલો જાણે સમજ્યા. પરંતુ ગત વર્ષે CAA ના નામે  રામલીલા મેદાનમાં કોંગ્રેસ પરિવારે સૌથી પહેલો પલીતો ચાંપવાનું કામ શરૂ કર્યું અને એના કારણે શાહિનબાગ શરૂં થયું, દેશભરમાં શાહિનબાગ ઉભુ કરવામાં પણ આવ્યું. હંમેશની જેમ સાચી વાત લોકોને ગળે ઉતારવા વર્ષો લાગે, પરંતુ ખોટી અફવાઓ લોકોને ઝટ ગળે ઉતરી જાય છે.  એ જ માનસિક નબળાઈનો લાભ ઉઠાવીને દેશને બાનમાં લેવામાં આવ્યો. એ તો ભલું થજો કોરોનાનું કે આખરે આંદોલન પડતું મુકાયું.  લોકોએ રાહતનો દમ લીધો. ત્યાં હવે વળી પાછું કિસાન આંદોલન છેડાયું છે. એ રાજકીય પ્રેરણા વગર આટલું લાંબું ખેંચાઈ ન શકે. એ દરેકને સમજાય તેવી વાત છે. એમાંય જ્યારે વિદેશી સેલિબ્રિટીઓના ટવીટનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો.  એની સામે ઇન્ડિયા ટુ ગેધરની હૅશ-ટૅગ સાથે જો આપણી ઇન્ડિયન સેલિબ્રિટી દેશની એકતા માટે વાત કરે તો, એમના ટાઈમિંગને લઈને આ કોંગ્રેસીઓ ફરિયાદ કરે? કોઈ કેમ એક સાથે આવી રીતે ટવીટ કર્યા છે, તેમ કરીને કોંગ્રેસે સચિન તેંડુલકરને લતા મંગેશકરને અને અન્ય કલાકારોને ટાર્ગેટ કરવામાં આવ્યા. ઉપરથી પાછી ફરિયાદ કરીને, મહારાષ્ટ્ર સરકાર પર દબાણ લાવીને, એની તપાસ કરવાનો આદેશ અપાવ્યો. આવા નિર્ણયો કોંગ્રેસ માટે આત્મઘાતી સાબિત થવાના છે. આવા પગલાથી દેશની સમજુ પ્રજાનો વિશ્વાસ ખોઈ બેસસે તેવો ડર લાગે છે. બીજી બાજુ આ દિશા રવિ નામની છોકરી માટે કોંગ્રેસ જે રીતની તરફદારી કરી રહી છે. તેના બચાવમાં તમામ કોંગ્રેસી દિગ્ગજો  ઉતરી પડ્યા છે. સચિન તેંડુલકરના ફોટા ઉપર કેરળમાં શાહી ચોપડી હતી, સચિને એવો તો કેવો દેશદ્રોહનો ગુનો કર્યો કે કોંગ્રેસને તેના નામનાં છાજિયાં લેવાની જરૂર પડી? પેલી દિશા રવિએ એવી તો શું દેશભક્તિ કરી કે જેને લીધે કોંગ્રેસને એનો પક્ષ લેવાની જરૂર પડી? સાલું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ સ્તર સુધી નીચે ઉતરવાનું???  આ બધા કારસ્તાન કોંગ્રેસને આગામી દિવસોમાં ભારે પડી શકે તેમ છે. 

આજનું જ્ઞાન: મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના માટે કોંગ્રેસ કહેતી કે ... ભાજપે "જુઠું બોલો, જોરથી બોલો, વારંવાર બોલો"ને પોતાનો મંત્ર બનાવી લીધો છે... અને આજકાલ એ જ મંત્રને કોંગ્રેસે પોતાનો જીવનમંત્ર બનાવી દીધો છે, તેવું કોઈક કાનમાં ગણગણીને જતું રહ્યું... તમને સંભળાયું...???

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

રાજકોટ સ્થળોને

આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.