રુદ્રાક્ષના ફાયદા

હમણાં જ થોડા સમય પહેલા સદગુરૂનો રુદ્રાક્ષના ફાયદા વિશેનો વિડિયો જોયો. જેમાં તેઓએ રુદ્રાક્ષના છ ફાયદા ગણાવ્યા હતા. આ છ ફાયદા પૈકી ત્રણ-ચાર ફાયદાનો તો મને પ્રત્યક્ષ અનુભવ થયો છે. જ્યારે તેમનું પ્રવચન સાંભળ્યું ત્યારબાદ મને પણ અહેસાસ થયો કે ખરેખર આ વાતમાં સત્ય છે. કારણકે... 
              આજથી પચ્ચીસ વર્ષ પહેલા અમારા કરમસદ ગામમાં બાપેશ્વર મહાદેવ દ્વારા અતિરુદ્ર યજ્ઞ થયો હતો. તે પ્રસંગે એક મહિનો ત્યાં મંદિર તરફથી વીડિયોગ્રાફરની મફત સેવા આપી હતી. સેવાના પરિપાકરૂપે હાલમાં જ શિવરૂપ થયેલા જયરામગિરી મહારાજે તેમના સ્વહસ્તે એક રુદ્રાક્ષની માળા પહેરાવી હતી. બીજી માળા અમારા ચરોતર બંધુવાળા દલસુખભાઈ પ્રજાપતિએ આખા ગુજરાતના જ્યોતિષીઓનું એક સંમેલન આણંદ ખાતે યોજ્યું હતું. આ કાર્યક્રમનું ફિલ્માંકન મારા શીરે આવ્યું હતું. આ દલસુખભાઈએ એક એવો નવતર પ્રયોગ કર્યો હતો કે જેટલા મહેમાનો આવ્યા હોય એ તમામને ફુલહાર ને બદલે દરેકને રુદ્રાક્ષની માળા પહેરાવીને સ્વાગત કર્યું હતું. છેલ્લે તેઓએ મને પણ એક રુદ્રાક્ષની માળા ભેટ આપી હતી. આ બંને માળા હું ધારણ કરતો આવ્યો છું. આવા મહાનુભાવોએ મને આ રુદ્રાક્ષ ભેટ ધર્યો છે. એટલે તેને ધારણ કરવાનો મને આનંદ પણ છે અને એનું ગૌરવ પણ છે. પણ તેનો ફાયદો શું- ગેરફાયદો શું એ બાબતમાં મેં બહુ વિચારેલું નહીં. 
             પરંતુ આજે સદગુરૂના પ્રવચનમાં જે બે-ત્રણ વસ્તુ મને જાણવા મળી કે આ રુદ્રાક્ષ પહેરવાથી તમારો ઑરા શુદ્ધ થાય છે. હવે આપણો ઑરા(આભા) શુદ્ધ થયો કે નહીં. એ તો બહુ વધારે આપણને ખબર ના પડે. 
                પરંતુ તેમણે જે બીજો ફાયદો જણાવ્યો કે આપણા પોતાના ઘરમાં જેટલી શાંતિથી ઊંઘ આવે છે. તે કોઈ અજાણી જગ્યાએ ઝડપથી ઊંઘ આવતી નથી. પરંતુ જો આપણે રુદ્રાક્ષ ધારણ કરેલો હોય તો તમે તમારી એનર્જી તમારી સાથે લઈ જઈ રહ્યા છો અને એના કારણે તમે કોઈ પણ અજાણી જગ્યાએ, તમને નીંદર આવી શકે છે. જેનો અનુભવ મને છે. 
                ત્રીજું તેમણે જણાવ્યું કે જેમ તમે મુસાફરી દરમિયાન કશુંય ના કર્યું  હોય, ખાલી બેસી રહયા હોય છતાં થાક લાગે છે. એનું કારણ કે મુસાફરીમાં જેમ વાળ ઉડે છે, તેમ મુસાફરી દરમિયાન તમારો ઑરા(આભા) પણ ડિસ્ટર્બ થઈ શકે છે. જ્યારે રુદ્રાક્ષ ધારણ કરનારને એક કવચ પુરૂં પાડે છે. જેથી ઑરા સલામત રહે છે. મુસાફરીનો થાક લાગતો નથી. આ મેં પ્રત્યક્ષ અનુભવ્યું છે. કારણકે મેં ચુમ્મોતેર કલાકમાં બાવીસો કિલોમીટર ગાડી ડ્રાઈવ કરી હોવા છતાં હું તાજો-માજો રહી શક્યો છું. ત્રણ વર્ષમાં સવા ત્રણ લાખ કિલોમીટર ગાડી ચલાવી છે. જે પહેલી નજરે તે મને બહુ સરળ લાગ્યું હતું. મને ક્યાંય થાકનો અહેસાસ નહોતો કે મેં ચુમ્મોતેર કલાકમાં બાવીસો કિલોમીટર સતત ગાડી ચલાવી કેવી રીતે? એક પણ ઊંઘ લીધા વગર સતત... 
            ચોથો ફાયદો સદગુરુએ એવો જણાવ્યો કે તમારી ઉપર કોઈની કુદ્રષ્ટિનો પ્રભાવ ઘટાડવાની શક્તિ રુદ્રાક્ષમાં રહેલી છે. તેનો મેં મારા પત્રકારત્વના કામકાજ દરમિયાન અનુભવ પણ કર્યો છે. ભલેને સામે આખી દુનિયા તમને પછાડવા માટે પ્રયત્ન કરી રહી હોય. પરંતુ આજ સુધી મારું અહિત થઈ શક્યું નથી. તેમાં કદાચ રુદ્રાક્ષનું પણ યોગદાન હોઈ શકે.
             પાંચમો ફાયદો એવો છે કે રુદ્રાક્ષ પહેરવાથી તમારું બ્લડ પ્રેશર વધતું નથી અને તે સંશોધનોથી પણ સાબિત થયું છે. એટલે જ કેટલાક તબીબો દ્વારા આજે બ્લડ-પ્રેશરના દર્દીઓને રુદ્રાક્ષ પહેરવાની સલાહ આપી રહ્યા છે. આજે પચાસ વર્ષે પણ બી.પી.નો દર્દી નથી બન્યો, એનો મને આનંદ પણ છે. 
              છઠ્ઠો ફાયદો તેમણે એવો જણાવ્યો કે કોઈ શુદ્ધ જળ સામે રુદ્રાક્ષને લટકાવો તો તે ઘડિયાળના કાંટાની દિશામાં (clockwise) ઘુમે છે અને જો અશુધ્ધ કે ઝેરી જળ હોય તો રુદ્રાક્ષનો મણકો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં(anticlockwise) ફરે છે  આ જાણકારી મારા માટે પણ નવી છે. એટલે મેં આજ સુધી એનો કોઈ અખતરો કર્યો નથી. નેપાળના પોખરામાં એક સરોવર છે. જેના માત્ર દર્શન કરવાનો અધિકાર છે. તેનું પાણી કોઈએ પીવું નહીં. એવુું ત્યાંનાં ગાઈડ દ્વારા પણ અમને જણાવવામાં આવ્યું હતું. બીજું ચારધામની યાત્રા દરમિયાન પણ મને ખબર છે કે માર્ગમાં હજારો ઝરણા આવે ને જાય. પરંતુ અમારો સારથી એક ચોક્કસ જગ્યાના ઝરણા પર જ પાણી પીવે.
              આજે મને સમજાય છે કે કદાચ આ રુદ્રાક્ષની માળાનો પણ મારી ઉપર પ્રભાવ હોઈ શકે. જે આજે સદગુરુના પ્રવચન દ્વારા મને જાણવા મળ્યું... તો લ્યો તમે પણ માણો રુદ્રાક્ષના ફાયદા વિશેનું સદગુરુનું પ્રવચન...

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

રાજકોટ સ્થળોને

આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.