કરમસદની શાળાનો પ્રથમ નંબર
ગુજરાત રાજ્ય યુવા પ્રતિભા શોધ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ કરમસદની સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કુલ દ્વારા જિલ્લા કક્ષાએ જે ગરબા એ પ્રથમ નંબર મેળવ્યો હતો, તે ગરબા વૃંદમાં ભાગ લેનારી વિદ્યાર્થીનીઓ સાથે શાળાના આચાર્ય સૂર્યકાંતભાઈ પટેલ તસવીર લેવા માટે વચ્ચોવચ ગોઠવાઈ ગયા છે. પરંતુ કહેવાય છે ને કે પાયાના પથ્થરો પાયામાં જ હોય તે બહાર કદી દેખાય નહીં. તેમ છેલ્લા બે-ત્રણ વર્ષથી અમારી શાળાની તૈયારી જ એવી રહેતી કે તાલુકાકક્ષાએ તો બીજી કોઈ શાળાનો નંબર જ ના આવે. આ વખતે પણ લગભગ બધી જ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી લીધો હતો. આ તમામ સફળતાઓ પાછળ જેમની પ્રેરણા અને પ્રોત્સાહન રહેલું છે, તેવા અમારા જેવા બાળકોની માવજત કરતાં શિક્ષીકાબેન હર્ષિદાબેન પટેલનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તેઓ ક્યારેય અમારી સાથે તસવીરોમાં આગળ નથી રહ્યા, પણ પડદા પાછળ રહી અમને સતત સહારો અને ટેકો આપતા રહ્યા. જે સાહેબ અમારા ઇનામ જીત્યા બાદ હોંશે હોંશે અમારી સાથે ગ્રુપ ફોટો પડાવવા આવી ગયા, તેમણે આવી સ્પર્ધામાં બાળકો ભાગ જ ના લે તે માટે કેટલીય વાર આડા ફાટયા છે અને દરેક વખતે હર્ષિદાબેન ઢાલ બનીને ઉભા રહ્યાના દાખલા અમે નજરોનજર જોયા છે. હવે સાહેબને તે સમયે શું વાંધો-વચકો હશે અમને કંઈ ખબર નહીં. અમે તો અમારી મસ્તીમાં મસ્ત હતા. આ તો વળી આજે થોડું પાછળ વળીને જોયું તો ઘણું બધું યાદ આવી ગયું.
હાલના વર્ષોમાં આ યુવા પ્રતિભા શોધ સ્પર્ધા યોજાય છે કે નહીં??? તેના કોઈ સમાચાર કોઈ છાપા - અખબાર કે ટીવી ચેનલ દ્વારા જાણવા મળ્યા નથી. મને લાગે છે કે અમારા સાહેબનો (આડા ફાટવાનો) ચેપ ગાંધીનગર સુધી પહોંચી ગયો લાગે છે. તમારા પૈકી કોઈને આ બાબતે માહિતી કે સમાચાર જાણવા મળે તો મને જણાવવા વિનંતી છે.
આ સમગ્ર વૃંદ પૈકી એક જૈમીની દરજી અને દિપાલી મહેતાના ફક્ત નામ યાદ છે. અન્ય કોણ ક્યાં છે, એની હાલ કોઈ માહિતી કે ખબર અંતર નથી....એ ગરબાના શબ્દો પણ હું આજે ભૂલી ગયો છું.... જરા યાદ કરાવવા વિનંતી...
Comments
Post a Comment