માહિતી ખાતાના ભૂતપૂર્વ સાહેબ સાથે જે શાસ્ત્રાર્થ - વાર્તાલાપ

દેવાતરાના ધોધ માટેની પોસ્ટ લખ્યા પછી અમારા એક માહિતી ખાતાના ભૂતપૂર્વ સાહેબ સાથે  જે શાસ્ત્રાર્થ - વાર્તાલાપ થયો  તેના કેટલાક અંશો અહીં રજૂ કરું છું. ....
 સાહેબ: આવા સ્થળોને અજાણ્યા જ રહેવા દો..જે પ્રકૃતિ પ્રેમી છે એ શોધીને જશે જ...બાકી તો પ્લાસ્ટિક નો કચરો ફેંકનારા અને કોલાહલ કરનારાના મેળા ભરાવા માંડે પછી સ્થળની પવિત્રતા જળવાતી નથી અને કુદરતની મઝા મારી જાય છે..

 મારો જવાબ: પરંતુ આ તમારી વાત 50 ટકા સાચી છે. જો મોદીસાહેબે પણ કેવડીયા માટે આવું વિચાર્યું હોત તો અત્યારે તમે જે માહોલ જોઇ રહ્યા છો તે અત્યારે માહોલ ના હોત.... 2003 - ચારમાં તેમણે(મોદી) જે ઇકો ટુરિઝમનો કન્સેપ્ટ આપ્યો હતો, એને મજબૂતીથી પકડી રાખો તો કોઈ ને કોઈજ ફરિયાદ કરવાની રહે જ નહિ. પરંતુ મને ખબર છે મિશ્રાજી કે તમે જે સ્થાન પર છો એના માટે તમે ભૂવો ધૂણે તો ઘર ભણી જ નાળિયેર ફેંકે એ હું સમજી શકું એમ છું.

સાહેબ: કેવડીયા ની વાત આખી જુદી છે કારણ કે ત્યાં નિયંત્રણ છે..અહી બધા સ્વતંત્રત એટલે મન ફાવે તેમ કરે
મારો જવાબ: મિશ્રાજી ચાલો તમારા કહ્યા મુજબ કેવડિયાની વાતને એક અપવાદ ગણી લો. પરંતુ નિનાઈ ધોધ અને માલસામૉટ માટે તમારું શું કહેવું છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે મોદી સાહેબે જે ઇકો ટુરિઝમનો કન્સેપ્ટ આપ્યો હતો એને મજબૂતીથી પકડી રાખવો મતલબ કે ત્યાંના સ્થાનિક આદિવાસીઓને homestay માટે સમજાવી શકાય??? સ્થાનિક યુવાનોને માર્ગદર્શકના રૂપમાં તાલીમ આપી શકાય??? જેમ ડાંગ સાપુતારાના માર્ગમાં સ્થાનિક આદિવાસી મહિલાઓને તેઓનું  સ્થાનિક ખાન-પાન પ્રવાસીઓને ખવડાવવા માટે જે પ્રોત્સાહિત કરાય છે, તેવો કોઈ કન્સેપ્ટ અહીંયા લાગુ કરી શકાય??? જેથી પ્રવાસીઓને પણ શુદ્ધ અને સાત્વિક તેમજ સ્થાનિક આદિવાસીઓના ખોરાકની લહેજત માણવાની મજા આપી શકાય???? નિનાઈ ધોધ માટે મને ખબર છે કે મોદી સાહેબે પથ્થરના પગથીયાની જગ્યાએ વાંસના પગથીયા બનાવવાનું જે સૂચન વનખાતાને આપ્યું આ ઉપરાંત માલસામોટ માં પણ તેમના માર્ગદર્શન પ્રમાણે થોડી ઘણી વધુ સુવિધાઓ ઊભી થઈ, તેનો આનંદ આજે પણ ત્યાં જતા પ્રવાસીઓ માણી શકે છે. આવા દાખલા ગણાવવા બેસું તો ઘણા દાખલા મોજૂદ છે. આમાં કોઈને ખરાબ ચીતરવાનો મારો ઈરાદો નથી, પણ અબોટ પ્રાકૃતિક સૌંદર્યને નામે તેને ઉપેક્ષિત રાખવું પણ ઉચિત નથી એમ હું માનું છું.
સાહેબ: સુવિધા વિકસાવવા સરકાર તૈયાર હોય છે, પણ લોકોમાં કુદરતની આમન્યા પાળવાની કેળવણી નથી. દરિયા કિનારા જુવો કેટલી ગંદકી કરીને જાય છે. આ સ્વયં શિસ્ત કેળવાય નહિ ત્યાં સુધી બધું નકામું છે. હમણાં જ ઝંડ હનુમાન ગયો,બીજા જંગલોમાં ગયો ઠેર ઠેર પ્લાસ્ટિક ના ઢગલાં... વિશ્વામિત્રીમાં ગયા વર્ષે ભયંકર પુર આવ્યું તો ઝાડીઓ પર પ્લાસ્ટિક ની કોથળીઓ જ કોથળીઓ..હું જે વાત કરું છું એ સ્વયં શિસ્ત ની છે,તમે હરોફરો એનો વાંધો નથી પણ ત્યાં કચરા નો ઢગલો મૂકીને ના જાવ.
મારો જવાબ: ચાલો ત્યારે મિશ્રાજી આનો પણ તમારો ખુલાસો કરી લઊ. કુલ પ્રવાસીમાંથી આ વાંદરાના સીધા વંશજ એવા પ્રવાસીઓની ટકાવારી કેટલી? સોએ સો ટકા તો હું પણ નથી માનતો, તમે પણ સમજી શકો એમ છો કે જેટલા આવે છે તે બધા જ વાંદરાના વંશજ હોય જ. એના માટે થઈને કુલ ટકાવારીના ગણ્યાગાંઠ્યા માણસોના હવાલા આપીને, બહુમતી શુદ્ધ સાત્વિક અને સાચા સજ્જન પ્રવાસીઓને અગવડોમાં ગોંધી રાખવા એ પણ કેટલા અંશે યોગ્ય?
સાહેબ: બાપુ મોટા ભાગના...હજુ પણ કહું છું જરૂર આ કેળવણીની છે... અહીં કચરો ના કરાય એ સ્વયં જાગૃતિ કેળવાય તો જ ભલું થાય..
મારો જવાબ: જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો તો રહેવાનો જ, વળી તમે જે ગંદકી અને કચરો થશે એની બીક રાખીને પ્રવાસીઓને ગમતા સ્થળોને અંધારામાં રાખો, અણજાણીતા બનાવો, કોઈ ત્યાં ન જઈ શકે તેવો અગવડભર્યું બનાવો...... એ ક્યાંનો ન્યાય કહેવાય? મારો તો એક જ કન્સેપ્ટ છે..... કે ગમતું મળે તો ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. કચરા અને ગંદકી બાબતે હું તમને મારો એક જ તર્ક આપું  કે આજકાલની જનરેશનમાં મોટાભાગના દીકરાઓ કપાતર પાકે છે તો શું કોઈએ દીકરા જણવાનું છોડી દીધું? મારા ભ'ઈ... છોકરી ને ભણાવી ગણાવીને મોટી કરીશું અને ખરો તાલ આવશે તે જ વખતે તે ભાગી જશે ... એ બીક રાખીને શું છોકરીઓને જણવાનું બંધ કરી દીધું લોકોએ? મારી પહેલી જ પોસ્ટમાં તમે જુઓ મારા સાહેબ કે મેં કઈ સરકાર જોડે કોઇ ચાંદ-તારા નથી માગ્યા!!! થોડી પાયાની સુવિધાની રજૂઆત કરી અને એમાંય જો સરકાર કે સરકારના હિતેચ્છુઓ સરકારની નિષ્ફળતા માટે ઢાંકપિછોડો કરતા હોય તેવા લોકોની તો મને દયા આવે છે. આના માટે એક વખત પરદેશ ભણી નજર નાખવા જેવી છે. તેઓ તેમની કુદરતી ધરોહરને કેટલી સરસ માવજતથી સાચવે છે અને પ્રવાસીઓને આકર્ષિત કરે તે રીતે તેનો વિકાસ પણ કરે છે. અરે હું તો કહું છું કે આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જો સરકાર ધારે તો ઘણું બધું કરી શકે એમ છે. હમણાં હાલમાં જ ગયેલો પ્રયાગરાજનો કુંભ મેળો જ જોઈ લો ને!!! લાખોની પબ્લિક આવીને ગઈ. ત્યાં તમે કચરાના ઢગલા જોયા? આટલી બધી પબ્લિકને ના બોલાવાય... અહીંયા આટલા બધાને એકત્ર ના કરવા જોઇએ.... અહીંયા લાખો-કરોડો લોકો આવશે તો કચરો થશે .... એવા કોઈએ રોદણાં રડ્યાં.. ??? કચરો અને ગંદકીની સાફ સફાઈ માટે ત્યાંના સ્થાનિક લેવલે એક સમિતિ બનાવી શકાય. અત્યારે પણ તમે જ્યારે જાવ ત્યારે ત્યાંના સ્થાનિક યુવાનો કે ટાબરિયા તમારી સાથે આવે છે. અને ગાઈડ-માર્ગદર્શકનું કામ કરે છે. તેઓને ઉચ્ચક વેતન આપી સાફ સફાઈ કરાવી શકાય. એ ક્યાં બહુ મોટી વાત છે. તમે જે યુવાનોને માર્ગદર્શક- ગાઈડ ભૂમિકા ભજવવા માટે તાલીમ આપો, તે વખતે આ સ્વચ્છતાના પાઠ તેઓને ભણાવી શકાય. પરંતુ આને અજાણી જગ્યા જ રહેવા દો કચરો થશે!!! આવી સુફિયાણી સલાહ આપનારને મારે હવે કયા શબ્દોમાં પોંખવા ..???!!!. હાલી નીકળ્યા છે... 

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

નિ:શુલ્ક રુદ્રાક્ષ મેળવો

રાજકોટ સ્થળોને