ચિતલનું માનવી દર્શન

ગીરના જંગલમાં જાવ પછી તે સાસણ ગીર હોય, તુલસીશ્યામ હોય કે પછી દેવલીયા હોય,  તમને ત્યાં સફારી ટૂરના પાસ કે એન્ટ્રી મળે કે ના મળે, પણ ત્યાં સુધી જવાના રસ્તે તમારી સામે હરણના ટોળા તો ચોક્કસ અડફેટે ચડી જ જાય. સાબર, હરણ, ચિંકારા, નીલગાય અને ચિતલ એટલી મોટી સંખ્યામાં છે કે રસ્તે જતાં ટોળેટોળા તમને જોવા મળી જ જાય. જુનાગઢથી સાસણગીર જાવ અને ત્યાં ભ્રમણ કર્યા બાદ સોમનાથ બાજુ જવા નીકળો કે પછી દીવના દરિયામાં ધુબાકા માર્યા પછી ઉના થઈ તુલસીશ્યામ જાઓ ત્યારે વન્યજીવોના દર્શન અચુક થાય થાય અને થાય જ. આવો જ એક અનુભવ મારા પરિવારને પણ થયો હતો. ચોક્કસ સ્થળની તો ખબર નથી પણ રસ્તે જતાં હરણનું ટોળું જોવા મળ્યું એટલે  અમે થોડોક સમય તેઓને નીરખવા માટે ઉભા રહ્યા, એ હરણા પણ પ્રવાસીઓ અને ગાડીઓથી ટેવાઈ ગયા હોય તેવું લાગ્યું. કારણ કે એક પછી એક ગાડીઓ ઊભી રહી, લોકો રસ્તા પર ઉતરીને ટોળાને જોવા લાગ્યા, ફોટા પાડ્યા અને જેમ મંદિરમાં દર્શન કરી પગે લાગી નીકળી જાય તેમ બધા એક પછી એક નીકળી ગયા. પરંતુ અમે થોડીવાર ઊભા રહ્યા.... એ હરણાના ટોળાને પણ એવું લાગ્યું કે આ માનવીનું ટોળું કઇંક અલગ છે, લાવો આપણે પણ તેમને નીરખીએ. એટલે એ હરણનું ટોળું પણ ઉભા રહ્યે રહ્યે અમારો તમાશો જોતું રહ્યું. તે હરણો આમ તો જોકે તેમને  હરણ ના કહેવાય એ તો સાબર જેવું દેખાતું ચિતલ હતા. ચિતલ અને સાબરમાં બહુ ઝાઝો ફરક નથી. સાબર આખું તપખીરિયા રંગનું હોય, જ્યારે ચિતલને તપખીરિયા રંગમાં સફેદ રંગના ટપકા પાડયા હોય. હવે ખરી મજાની વાત એવી આવે છે કે આપણે કોઈએ કશું બોલવું નહીં અને તેઓની સામે મૌન વ્રત ધારણ કરી ઉભા રહેવું એટલે ઘર-પરિવારના બધા સભ્યો હતા એટલે બધા માની ગયા. ચૂપચાપ ઊભા રહ્યા. હવે જે મોટા પુખ્ત વયના ચિતલ હતા એ તો દૂર ઊભા રહ્યે, અમારો ખેલ જોતા રહ્યા પણ એક નાનું બચ્ચું ધીમે ધીમે અમારી નજીક આવવા લાગ્યું.... જાણે કોઈ નવું પ્રાણી જોયું હોય અને તેને ઓળખવા માગતું હોય તેમ એકાદ ડગલું ભરે પછી ઊભું રહે, ફરી પાછું થોડુંક નજીક આવે ને ઉભું રહે, આજુબાજુ જુએ પરંતુ અમારા તરફથી કોઈ હલચલ કે કોઈ અવાજ ન હોવાના કારણે તે નજીક ને નજીક આવતું ગયું અને આખરે એટલું નજીક આવી ગયું કે ઝૂમ લેન્સની જગ્યાએ નોર્મલ લેન્સથી ફોટો પાડો ને તો પણ ફોટો ક્લોઝ-અપ આવે એટલું નજીક આવી ગયું. આજે અમને પણ એવું લાગ્યું કે અમે હરણો જોવા નથી આવ્યા પરંતુ હરણ માનવી જોવા આવ્યું છે. તે અમને જોઈને ધરાઈ ના ગયું ત્યાં સુધી અમે સ્ટેચ્યુ થઈને ઉભા રહ્યા. આ દ્રશ્ય ઘણા સમય સુધી ચાલ્યું. જંગલ વિસ્તાર હતો, સૂમસાન રસ્તા હતો. અહીં બીજુ તો કોણ આવે - જાય? પરંતુ અમારો ખેલ બગાડયો એક ગાડીવાળાએ... એને ખબર નહીં શું સુઝ્યું તે એણે હોર્ન માર્યું અને પેલું બચ્ચું ભડકીને ભાગ્યુ......!!!! હવે એ ગાડીવાળાને શું કહેવું?  .... @#$*&₩£€$#@%

Picture taken on: Nov. 15
Nikon D90.
Location: Somewhere in Gir. 

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

નિ:શુલ્ક રુદ્રાક્ષ મેળવો

રાજકોટ સ્થળોને