દૂધરાજનો મિજાજ
રૂપ રૂપનો અંબાર .... જેને જોતા જ ગમી જાય તેવું રૂપકડું ..... પરંતુ ભારે શરમાળ અને બુલબુલના કુળનું પક્ષી દૂધરાજ સાસણગીરની કેટલીયવારની મુલાકાતો લીધા બાદ આ વખતે તેને મન ભરીને જોવાનો અને કેમેરામાં કંડારવાનો લાભ મળ્યો હતો. નર દૂધરાજ પક્ષી જેના સંપૂર્ણ ધવલરંગી સ્વરૂપ અને લાંબીલચક પુંછડીના કારણે બધા પક્ષીઓ કરતા અલગ તરી આવે. અને તેનું માથું સંપૂર્ણ કાળું પરંતુ માથા પરની કલગી ભારે લોભામણી અને શરમાળ તો એવું કે લજામણીનો છોડ કે નવી નવેલી દુલ્હન પણ તેની આગળ પાણી ભરે. જરાક અમથા અવાજમાં દૂર સુદૂર સુધી ઊડી જવામાં તેને જરાય વાર ના લાગે. ગોવિંદભાઈ વેકરીયા અને રેવતુભા રાયજાદાના વડપણ હેઠળ સાસણ ગીરના નેચર કેમ્પમાં અમારો વિહાર ચાલી રહ્યો હતો, તે સમયે આ દૂધરાજ પક્ષી જોવા મળ્યું અને રેવતુભાનો જેટલો આભાર માનું તેટલો ઓછો ગણાય કે તેમણે અન્ય તમામ કેમ્પ સાથીઓને ઊભા રહેવાનો આદેશ કર્યો અને મને કહ્યુ કે જા સોહંગ આજ મોકો છે, તસવીરો મેળવી લે. હું ચૂપકીદીથી તેની નજીક ગયો અને આખરે તેના બે-ત્રણ ફોટા લેવાનો મોકો મળ્યો. આ પ્રસંગે માદા દૂધરાજ પણ જોવા મળી હતી. જેનો સંપુર્ણ રાખોડી રંગ અને વૃક્ષોની ઘટાઓમાં તેની છુપાઈ જવાની કળાને કારણે તેને કંડારીના શક્યો, તેનો ખટકો હજુ પણ દિલમાં છે. કાંઈ નહિ ભવિષ્યમાં ફરીથી જ્યારે મુલાકાત લઈશું ત્યારે તેને પણ જોઈ લઈશું.
Picture taken on 23-12-2017
Nikon D90, 70-300 mm lens.
Location: Sasan-Gir forest.
Comments
Post a Comment