પ્રકૃતિ અંગે લોકો નો અભિગમ

હિલ સ્ટેશન માં ફરવા જવું છે - ટ્રેકિંગ કરવું છે - વનવગડામાં ઘૂમવું છે - વોટરફોલ માણવો છે - આદિવાસીઓની રહેણીકરણી અને જીવનશૈલીને નજીકથી જોવી છે, જાણવી છે - untouched Natureને મનભરી માણવું હોય તો આ તમામ ગુણના સંયુક્ત પેકેજ માટે બારખાડીના જંગલની લટાર મારવા જવું પડે.  ..... સૌથી મોટી વાત તો એ છે કે આવા અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં પણ પાકા ડામરવાળા રસ્તા જોઈને ગુજરાત સરકારની કામગીરી માટેનું માન પહેલાં કરતાં પણ ઘણું વધી ગયું. રાજ્ય સરકાર છેવાડાના  આદિવાસીઓ માટે ચિંતિત છે, તે આવા માર્ગો જોઈને પ્રદર્શિત થાય છે..   ગઈ કાલે અમે જે દેવાતરાના ધોધમાં જવાનું નક્કી કર્યું પછી  બારખાડી ગામની શાળાએથી પગપાળા પ્રવાસ આદર્યો .... જેમાં  ડુંગરાઓમાં માર્ગરૂપી કેડીની આજુબાજુમાં સ્થાનિક આદિવાસીઓએ પોતાના ખપ જોગી ખેતી કરી હતી, જેમાં જુવાર અને તુવેરનો પાક મુખ્ય હતો. તેઓના ઘરની બાંધણી પણ વિશેષ હતી. વાંસને ફાડીને તેની ચીપટો બનાવીને તેમાંથી ગૂંથેલી દીવાલોના બનાવેલા ઘરો જોઇને, આ વિસ્તારમાં પહેલીવખત આવતા મારા બાળકો આશ્ચર્યચકિત અને ખૂબ જ આનંદિત થયા. હવે બારખાડી ગામના આવા તેઓના પરંપરાગત આવાસોમાં વન કેડી જેવા રસ્તે રસ્તે ક્યારેક તો તેઓ ના ખેતરો પાર બનેલી એ કેડીના આધારે આધારે ડુંગરો ખૂંદી દેવાતરાના ધોધમાંથી જે વહેતા પાણીના પટમાં  નાના મોટા પથ્થરો વચ્ચે સાચવીને ચાલીને પછી અમે ત્યાં દેવાતરાના ધોધ સુધી પહોંચ્યા. બાળકો મહેમાનો અને સર્વેએ મનભરીને ધોધને માણ્યો પછી પરત ફર્યા. પણ આ દરમિયાન જે પ્રકૃતિના દર્શન થયા તેનો અનુભવ અવિસ્મરણીય છે. કારણકે જગતભરના મોટા અને વિશાળ ધોધ અને તેની વિશાળ જળરાશિ માત્ર નયન સુખ આપી શકે છે. તેની નીચે નાહ્વાની તો કલ્પના પણ ન કરી શકાય. જ્યારે આવા નાનકડા ધોધ નીચે કોઈ ખાઈ કે કોતર સર્જાવાની શક્યતા જ નથી એટલે એક નાના બાળક માટે પણ તે જગ્યા નાહ્વા માટે સલામત ગણાય. હવે ધોધની નીચે ઊભા રહીને ઉપરથી જે પડતું પાણી શરીરને હળવું ફૂલ બનાવી દે છે. વળી ત્યાં સુધી પહોંચવાનો રસ્તો તમને એક નાનકડા ટ્રેકિંગનો અનુભવ પણ કરાવી જાય છે. વળી આ જગ્યા મૂળ પહાડોની વચ્ચે આવેલી હોવાથી મોટરમાર્ગે ત્યાં પહોંચતા દરમિયાન પણ તમને હિલ સ્ટેશન જેવો અનુભવ કરાવી દે છે. બેશક આ જગ્યાનું વાતાવરણ ઠંડક ભર્યું છે જ. એક દિવસની પીકનીક મનાવવા માટે બહુ જ સરસ છે. આજે પહેલીવાર મેં માણી દિલ ખુશ ખુશ થઈ ગયું, દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. પરઁતુ એક તો આ સ્થળ ખાસ જાણીતું નથી. નકશામાં પણ તમે મુશ્કેલીથી શોધી શકો છો. રાજ્ય સરકારનું પ્રવાસન ખાતું પણ આ બાબતે ચિંતિત હોય કે આને વિકસાવવા માટે કટિબદ્ધ હોય તેવા કોઈ આશા કે અણસાર જણાતા નથી. સ્થાનિક મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા પણ આ બાબતે દુર્લક્ષ સેવી રહ્યા હોય તેવો મને અનુભવ થયો અને વળી સૌથી મોટામાં મોટી વાત તો એ કે ત્યાં સુધી પહોંચવા માટેના કોઈ સીમાચિન્હરૂપ માર્ગદર્શક પાટિયાનો પણ અભાવ છે. પરંતુ શાંત અને રમણીય, ઘોંઘાટ-કોલાહલથી મુક્ત આ જગ્યા પ્રકૃતિપ્રેમીઓને ચોક્કસ ગમી જાય તેવી છે. બસ થોડી પાયાની સુવિધાઓ ઊભી થાય તો આ જગ્યા પ્રવાસીઓના લિસ્ટમાં ઉમેરાય શકે તેવી તમામ શક્યતાઓ આ સ્થળમાં રહેલી છે.

Comments