બંદિશ બેન્ડિટસ્

આદિ, મધ્ય અને આધુનિક યુગના સંગીત ઉત્સવનો ઉત્તમ સંગમ જોવો હોય તો "બંદિશ બેન્ડીટસ્" જોવી પડે. જેમ મહાસાગરની કદાચ ઊંડાઈ આપણે માપી ન શકીએ તેવો જ આપણો અગાધ મહાસાગર ભારતીય સંગીતનો રહેલો છે. તેની ઉત્તમ કોટી સુધી પહોંચવાની કે તેને માણવાનું દરેકનું ગજું નથી. અત્યારના ઘોંઘાટિયા સંગીતના તાલે કદાચ લોકોમાં શાસ્ત્રીય સંગીત ભુલાઈ ગયેલું લાગે.પરંતુ એ શાશ્વત તો છે જ. મોટાભાગના લોકો જેને શાસ્ત્રીય સંગીતના આરોહ અવરોહને એક રાગડા તરીકે જાણતા હોય છે અને આવા રાગડા તાણતા ગાયકને જોઈને લોકો નાકનું ટીચકું ચડાવી દેતા હોય છે. જોકે તેનું મુખ્ય કારણ એ હોઈ શકે કે તેની સમજ ન હોવી. જેમ કૂતરાને ઘી પચતું નથી, તેવી જ રીતે શાસ્ત્રીય સંગીત પણ દરેકને પચી જાય એ શક્ય નથી. છતાંય આજની તારીખમાં વેબ સીરીઝોનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. તેમાં જેમ શેરબજારની એક ટકો પણ સમજણ ન પડતી હોય, પરંતુ જેમ "સ્કેમ 1992" જુઓ એટલે શેરબજારની આંટીઘૂંટી તમને સમજમાં આવી જાય. તેમ તમને ભલે સંગીતમાં ટપ્પો પડતો ન હોય, શાસ્ત્રીય સંગીત ખૂબીઓ માથા ઉપરથી સીધેસીધી પસાર થઈ જતી હોય, તેવા લોકો પણ જો એક વખત "બંદિશ બેન્ડીટસ્" જોઈ નાખે તો તેનો ફરીથી પાછો શાસ્ત્રીય સંગીત પ્રત્યેનો પ્રેમ અને તેની સમજ, રાગ શું છે, રાગિણી શું છે, ધ્રુત અને વિલંબિત લય કોને કહેવાય, ઠુમરી અને ખયાલ ગાયકી વચ્ચેનો ભેદ, શુદ્ધ સંગીત કોને કહેવાય તેની ચોક્કસ જાણકારી મળી શકે એમ છે. ખરેખર શંકર  અહેસાન લોયે એમાં જીવ રેડી દીધો છે. આટલી સરસ સંગીતમય વેબ સીરીઝ પ્રથમ વખત માણવાનો મને આનંદ છે અને એટલે જ આજે તમારી બધાની વચ્ચે હું શૅર કરવા માટે આવ્યો છું. "બંદિશ બેન્ડિટસ્" એક એવી સંગીતમય web series છે કે જેમાં આધુનિકતાનો રંગ પણ છે અને આપણા શાસ્ત્રીય સંગીતના ઘરાના શું કહેવાય, એક વ્યક્તિ પોતાના અલગ રાગ રાગિણી દ્વારા કેવી રીતે પોતાના એક આગવા વ્યક્તિત્વની ઓળખ ઊભી કરે છે, તેનો બિલકુલ આસાનીથી સમજ આપી શકે, તેવું તેનું ચિત્રણ થયેલું છે. બંદિશ બેન્ડિટસ્ માં આમ જોવા જાવ તો તમામ મરી મસાલા ભરપૂર પ્રમાણમાં આપેલા છે. આજની આધુનિક ગાળાગાળીભરી અને મારફાડવાળી વેબ સીરીઝો, જો જોઈને કંટાળ્યા હોય તો આ સીરીઝ એની પર મલમનું કામ કરી શકે એમ છે. આજના યુવાનોને પણ ગમે તેવી શૈલીમાં અને વળી આજના વેબ સીરીઝના ટ્રેન્ડ મુજબની રાબેતા મુજબની ગાળો પણ આ વેબ સિરીઝમાં ગોળ જેવી મીઠી લાગે એટલી સરસ રીતે તેનો ગોઠવણી થઇ ગઇ છે. ખાસ તો દસ એપિસોડની આ વેબ સીરીઝમાં આપણને એવું લાગે કે વાર્તા તો છે જ, અને તમને જકડી તો છેક અંત સુધી રાખે છે. એક એકથી ચડિયાતી બંદિશો ખરેખર મનને પ્રફુલ્લિત કરી દેશે અને શાસ્ત્રીય સંગીતની જે ઉંચાઈઓએ પહોંચાડ્યું છે, તે માટે ખરેખર શંકર મહાદેવનને સો સો સલામ. આ વેબ સીરીઝમાં બધું જ છે. ડ્રામા, કોમેડી, સસ્પેન્સ, રોમાન્સ અને આ ઉપરાંત જે સંગીતની બારીકીઓ દર્શાવી છે તે કાબિલે દાદ છે. કોઈ બંદિશની રજૂઆત દરમિયાન એક સૂર પણ જો આઘો-પાછો થઈ જાય ત્યારે સામાન્ય જનતા તો વાહ વાહ પોકારી ઉઠે, પરંતુ સંગીતના જાણકારો તેને પકડી પાડે છે, તેવી ઝીણી ઝીણી સંગીતની બારીકીઓ તમને જાણવા અને જોવા મળશે. શાસ્ત્રીય સંગીતમાં મહારત મેળવવા માટે શિષ્યોનો ગુરુ પ્રત્યેનો આદરભાવ અને ગુરુનો શિષ્ય પ્રત્યેનો નિષ્ઠુરભાવ માત્ર તેને ચકાસણીના એરણે ચડાવવા માટે, જે કસોટી લેવામાં આવે છે. સંગીતના ક્ષેત્રમાં ગુરુ શિષ્યનો અંતરંગ તાદામ્યભાવ અહીં જોવા મળે છે. આ વેબસીરીઝમાં અતુલ કુલકર્ણી, નસરુદ્દીન સાહેબે કમાલ કરી દીધી છે. જોકે નસરુદ્દીન શાહની ગ્રે શૅડની ભૂમિકા જોઈને, મને સરફરોઝની યાદ તાજી કરાવી દીધી. ભારતીય મૂલ્યો અને પોતાની પરંપરાના મુળિયા આપણા સમાજમાં કેટલા ઉંડા ઉતર્યા છે, તેનો સાચો ચિતાર પણ અહીં જોવા મળે છે. સમગ્ર વેબ સીરીઝ એટલી સંગીતમય બની ગઈ છે કે જાણે સંગીતની વચ્ચે-વચ્ચે થોડા થોડા ડાયલોગ હોય અને છતાંય સ્ટોરી સમાંતર ચાલ્યા કરે છે. સંગીત રસિકો માટે તો જેકપોટ જ છે. આ શાસ્ત્રીય સંગીત પર પૂર્ણરૂપે આધારિત હોવા છતાં પણ દર્શકોની સહનશક્તિને નજરમાં રાખીને શાસ્ત્રીય સંગીતના લાંબા લાંબા અંતરાને બદલે શોર્ટ એન્ડ સ્વીટમાં રજૂઆત મૂકીને શાસ્ત્રીય સંગીતથી અજાણ માણસ પણ તેને બખૂબી માણી શકે છે. શાસ્ત્રીય સંગીતની રાગ-રાગિણી સાથે પરિચય કેળવી, તેનો આનંદ મેળવી શકે એવું સુંદર ચિત્રણ કરીને મન મોહી લીધું છે. છેલ્લે એક આડવાત ... આશ્રમવાળી ત્રીધા ચૌધરી જો પોતાની આગામી વેબ સીરીઝ માટે કોઈ જુદા જ રંગના પાત્રની પસંદગી નહીં કરે તો, પોતાની ખૂબસૂરતી અને અભિનયની ખૂબસૂરતીનો સુભગ સમન્વય હોવા છતાં માત્ર સની લીયોનીથી વધુ માઇલેજ નહીં હાસલ કરી શકે, એટલે કે સૂરજની જેમ સમગ્ર વેબ સીરીઝમાં પોતાનું અજવાળું પ્રકાશવાને બદલે માત્ર સંધ્યા બનીને બેસી રહેવું પડશે.

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

રાજકોટ સ્થળોને

આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.